મુંદ્રા ખાતે વિશ્વ સ્તરીય પોર્ટ સિટીનો વિકાસ
GMB
GMB
ગુજરાત સરકારે મુંદ્રા બંદરની આસપાસ યોજનાબદ્ધ વિકાસ માટે નોંધપાત્ર પગલું ભર્યું છે. ગુજરાત મેરીટાઇમ બોર્ડ મુંદ્રા પોર્ટ સિટી માટે વિગતવાર યોજના ઘડી રહી છે. આ એક એવા શહેરનું સપનું છે કે જે વૈશ્વિક મેરીટાઇમ સમુદાયને એકત્ર થવા માટેનું શ્રેષ્ઠ કેન્દ્ર બની રહેશે અને ગુજરાતના દરિયાકાંઠાને વૈશ્વિક વાણિજ્યના નકશામાં મહત્વપૂર્ણ સ્થાન અપાવશે.
મુંદ્રા પોર્ટ સિટીની સૂચિત સાઇટનો કુલ વ્યાપ 502 ચોરસ કિમીનો રહેશે અને તેમાં મુંદ્રા અને અંજારના તાલુકાઓને પણ આવરી લેવામાં આવશે. સાઇટની પસંદગીના મહત્વપૂર્ણ પાસાઓમાં વ્યૂહાત્મક સ્થળ, જોડાણ, પાકના નીચા ઉત્પાદન ધરાવતા વિસ્તારો, હીતધારકોની જરૂરિયાતો તથા પર્યાવરણની દ્રષ્ટિએ સંવેદનશીલ વિસ્તારો જેવી બાબતોને ધ્યાનમાં રાખવામાં આવી છે.
આ શહેર મેરીટાઇમ તથા મેરીટાઇમ સંબંધિત ઉદ્યોગો અને સેવાઓની મહત્વપૂર્ણ જરૂરિયાતોને ઉપલબ્ધ કરાવશે. આ ઉપરાંત માછીમારી, બાગાયત અને કૃષિક્ષેત્રો ઉપર પણ વિશેષ ધ્યાન આપવામાં આવ્યું છે. મુંદ્રા પોર્ટ સિટી લોજીસ્ટિક્સ, હળવા એન્જિનિયરિંગ, આયર્ન અને સ્ટીલ ઉદ્યોગ, ફુડ અને એગ્રી પ્રોસેસિંગ, ખનીજ અને ટેક્સટાઇલ ઉદ્યોગો જેવા ઔદ્યોગિત ક્ષેત્રોના વિકાસની આવશ્યકતાને પણ પરિપૂર્ણ કરશે. સંસ્થાકીય વિકાસ, કચેરીઓ, વાણિજ્યિક વિસ્તારો, સર્વિસ પ્રોવાઇડિંગ નેટવર્ક્સ વિવિધ ક્ષેત્રોની વૃદ્ધિ અને સાતત્યતા માટેની જરૂરિયાતોમાં મદદરૂપ બની રહેશે.
શહેરનો પ્રોજેક્ટ ઔદ્યોગિક, વાણિજ્યિક, રહેણાંક અને મનોરંજનની સુવિધાઓનું શ્રેષ્ઠ મિશ્રણ હોય તે રીતે તૈયાર કરવામાં આવ્યો છે અને તેમાં મજબૂત પરિવહન નેટવર્ક, રિયલ એસ્ટેટ તથા પર્યાવરણીય બાબતો ઉપર વિશેષ ધ્યાન રાખવામાં આવ્યુ છે. શહેરના સર્વાંગી વિકાસ અને સાથે-સાથે વાણિજ્યિક, સંસ્થાકીય અને ઔદ્યોગિકક્ષેત્રોને આસપાસના નાના નગરો, ઉપનગરો સાથે જોડીને તેની વૃદ્ધિને બળ આપવામાં આવશે. આ ઉપરાંત આર્થિક પ્રવૃત્તિઓના કેન્દ્રોનું પણ વિકેન્દ્રિકરણ કરાશે. આનાથી શહેરની મર્યાદિત ક્ષમતાઓની સામે શહેરીકરણની ઝડપી વૃદ્ધિથી સર્જાતા દબાણને ઘટાડી શકાશે.