નિરીક્ષણ
ગુજરાત મેરીટાઇમ બોર્ડે ભારતમાં બંદરોના વિકાસ, ખાનગીકરણ અને વિશેષ કાર્ગો હેન્ડલીંગ દ્વારા મેરીટાઇમ ક્ષેત્રમાં પોતાની આગવી ઓળખ ઉભી કરી છે. બંદરો અને આંતરરાષ્ટ્રીય વેપારની વૃદ્ધિ દ્વારા આર્થિક વિકાસને વેગ આપવા ધ્યેય સાથે વર્ષ 1982માં સ્થાપિત આ દેશનું પ્રથમ મેરીટાઇમ બોર્ડ છે.
દિર્ઘદ્રષ્ટિ સાથેની વિચારધારા અને વ્યૂહાત્મક રીતે અગત્યના એવા 1600કિ.મી. લાંબા દરિયાકિનારા સાથે, જી.એમ.બી.એ 1980ના દાયકામાં વિશિષ્ટ અને વણખેડાયેલા માર્ગ પર પોતાની યાત્રા શરૂ કરી હતી. આ સમય હતો, દરિયાઇ વેપારમાં મોટા બંદરોનો, અને રાજ્ય સરકાર પાસે નહિવત બંદર વ્યવસ્થા હતી.
વર્ષ 1982-83માં ટ્રાફિકમાં સામાન્ય એવા 3ટકા હિસ્સાથી શરૂઆત કર્યા બાદ જી.એમ.બી. બંદરોના હિસ્સામાં સતત વધારો થયો અને હવે (2014-15) ગુજરાતના લઘુ/ગૌણ બંદરો રાષ્ટ્રીય ટ્રાફિકના 32ટકા હિસ્સો ધરાવે છે. આ સમય દરમિયાન મુખ્ય બંદરોનો હિસ્સો વર્ષ 1982ના 94ટકાથી ઘટીને વર્ષ 2015માં 55ટકા થઇ ગયો હતો, જ્યારે વર્ષ 2014-15માં ભારતના લઘુ/ગૌણ બંદરોના ટ્રાફિકમાં ગુજરાતનો હિસ્સો 71.5 ટકા હતો.
જી.એમ.બી.એ પાછલા ત્રણ દાયકાથી લાસ્ટ માઇલ રેલ/રોડ કનેક્ટિવીટીની મદદથી તેના લઘુ/ગૌણ બંદરોના સુગ્રથિત વિકાસની કલ્પનાને ચરિતાર્થ કરી છે. બંદરની સેવાઓના ખાનગીકરણ, ખાનગી જેટ્ટીઓ, સંયુક્ત સાહસ ધરાવતા બંદરો, અને ગ્રીનફીલ્ડ બંદરો જેવા ખાનગીકરણના વિવિધ મોડેલ દ્વારા યોગ્ય ખાનગી ભાગીદારોને લાવી કામગીરીનું યોગ્ય અમલીકરણ કર્યું છે. જી.એમ.બી.એ અસરકારક રીતે વિશેષ બિઝનેસ મોડેલ અમલમાં મુક્યું છે, જેણે વિકાસની નવી કેડી કંડારી છે અને ગુજરાતના લઘુ/ગૌણ બંદરોનો વિકાસ સાધીને અન્ય રાજ્યો માટે ઉદાહરણરૂપ બનાવ્યા છે.